ગાંધીનગર: જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા 11 પ્રશ્નોનો સુખદ નિકાલ કરાયો
ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગાંધીનગર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે. ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ દર મહિને તબક્કાવાર યોજાતા સ્વાગતો કાર્યક્રમ વહીવટતંત્ર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો દોર વધુ મજબૂત બનાવવામાં સફળ રહ્યો છે.
ત્યારે ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ રજૂ કરેલા સ્વચ્છતા સંબંધિત, ડમ્પીંગ સાઈટ, જમીન સંપાદન ,ગેરકાયદે પાર્કિંગ, ઝૂંપડપટ્ટી દબાણ, ચોમાસા પહેલા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા અંગે વગેરે મળી કુલ ૧૧ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવવા, તથા અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી પ્રશ્નો લઈને ઉપસ્થિત થયેલા નાગરિકોએ જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે વારંવાર અધિકારીઓ તથા કર્મચારીઓને ‘we are for the people’ આ વાક્ય દ્વારા અરજદારો પ્રત્યે સહાનુભૂતિ પૂર્ણ વર્તન કરતા, તેમની અરજીઓ તથા પ્રશ્નોનો નિકાલ બને તેટલી ઝડપથી, નાગરિકોને અગવડનો સામનો ન કરવો પડે તે રીતે કરી આપવા માટે સૂચન કરતા રહે છે.જેથી આજે જિલ્લા સ્વાગત ખાતે આવતાં પહેલાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ થઈ ચૂક્યું હોવાથી કલેકટરશ્રીએ ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે,અરજદારોને સાચી માહિતી મેળવવાનો હક છે, માટે તેમણે કરેલી અરજીનો સમયસર ઉકેલ લાવો અન્યથા તુરંત નિરાકરણ ન કરી શકાતાં પ્રશ્નો માટે સાચું કારણ જણાવતાં ચોક્કસ સમયની જાણકારી આપવી એ દરેક અધિકારીની ફરજ છે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી ઈ/ચા અર્જુનસિંહ વણઝારા, પ્રાંતશ્રી પાર્થ કોટડીયા સહિત સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.