રશિયામાં ડ્રોન હુમલો: ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના વિમાનને લેન્ડિંગમાં મુશ્કેલી.
ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ સ્પષ્ટ કરવા માટે ભારતના 6 સભ્યોનું પ્રતિનિધિમંડળ 22 મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. જોકે, રશિયામાં મોસ્કો એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાને કારણે આ પ્રતિનિધિમંડળને લઈ જનારા વિમાનને લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. યુક્રેને મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ છે.
આ ભારતીય પ્રતિનિધિમંડળમાં ડીએમકે સાંસદ કનિમોઝી, સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, કેપ્ટન બ્રિજેશ, અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરીનો સમાવેશ થાય છે. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિથી મોસ્કો તરફ ઉડતા 23 ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. આ હુમલાને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કેટલાક કલાકો સુધી સ્થગિત કરવામાં આવી હતી. જેના પરિણામે ભારતીય સાંસદો અને કનિમોઝી કરુણાનિધિને લઈ જતું વિમાન લાંબા સમય સુધી હવામાં ચક્કર મારતું રહ્યું. જોકે, ઘણા વિલંબ બાદ વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું.