વિશ્વ પર્યાવરણ દિવસ: 5 જૂન સુધી પ્લાસ્ટિક પ્રદૂષણ વિરુદ્ધ જાગૃતિ અભિયાન.
વિશ્વભરમાં દર વર્ષે તા. ૫ જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આગામી તા. ૫ જૂન સુધી “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે.
જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં પણ વિવિધ વિભાગો દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો અને સફાઇ અભિયાનો હાથ ધરાશે. જેમાં વન સંરક્ષિત વિસ્તારોમાં અને તેની આસપાસ સફાઈ ઝુંબેશ, ઉદ્યોગોને પ્લાસ્ટીક મુકત અભિયાન સંદર્ભે સંવેદનશીલ બનાવાશે, જી.આઈ.ડી.સી વિસ્તારમાં તથા વિવિધ ઔદ્યોગિક એકમોમાં પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક કચરાના રિસાયક્લિંગ સંદર્ભે જાગૃતિ, શહેરી વિસ્તારનાં તમામ સરકારી મકાનો તથા તમામ વોર્ડમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ કામગીરી, પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક કચરાના રિસાયક્લિંગ સંદર્ભે જાગૃતિ, તમામ કાંસ – જળાશયો (તળાવો) સફાઈની ઝુંબેશ, ગ્રામ સફાઈ અને પ્લાસ્ટિક મુક્ત ગામડાઓ બનાવવા અંગે અભિયાન, તમામ પંચાયતો અને સ્થાનિક સંસ્થામાં, આંગણવાડી, શાળાઓ, ગ્રામીણ રસ્તાઓ, તળાવો ખાતે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ તથા સફાઈ અભિયાનનું આયોજન, તમામ સરકારી કચેરીઓ અને સર્કિટ હાઉસ ખાતે સફાઇ ઝુંબેશ, પ્લાસ્ટિક મુક્ત હાઇવે બનાવવા ઝુંબેશ, તમામ પી.એચ.સી/સી.એચ.સી. સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજો વગેરે ખાતે સફાઈ કાર્યક્રમનું આયોજન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટીઓ, પશુચિકિત્સા કોલેજો વગેરે ખાતે પ્લાસ્ટીક મુક્ત અભિયાન તથા સફાઇ ઝુંબેશ,કિસાન શિબિરોનું આયોજન કરી પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદર્ભે જાગૃતિ, તમામ સહકારી મંડળી તથા એ.પી.એમ.સી, શૈક્ષણિક સંસ્થાઓમાં જેમ કે શાળાઓ, કોલેજો, આઇ.ટી.આઇ વગેરેમાં સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે.
ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવેએ આ અંગે જણાવ્યા અનુસાર, પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. જિલ્લાના સૌ નાગરીકો પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાઈને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડે તેમજ પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે જાગૃત અને કટિબદ્ધ બને તે માટે કલેકટરશ્રી સહિત જિલ્લા તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.