સુરત: કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામ પર મનપાનું બુલડોઝર ચાલ્યું
સુરત: ફરી એકવાર અસામાજિક તત્વો સામે સુરત મહાનગરપાલિકાનું “દાદાનું બુલડોઝર” ગરજ્યું છે. કુખ્યાત ગુનેગાર સજ્જુ કોઠારી ઉર્ફે સાજીદ કોઠારીના નાનપુરા ઝમરુખ ગલીમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર મનપાની ટીમે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
સજ્જુ કોઠારી પર બે વાર ગુજસીટોકના ગુના દાખલ થયેલા છે અને તેના વિરુદ્ધ અન્ય 35 જેટલા ગુનાઓ પણ આચર્યા હોવાનું નોંધાયેલું છે. તાજેતરમાં જ તેણે કોર્ટના હુકમનો અનાદર કરીને વધુ એક ગુનો આચર્યો હતો, જેના પગલે મનપા દ્વારા આ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા સુરત મનપાએ અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.