રાજસ્થાન: અમદાવાદથી ભીલવાડા જતી બસને અકસ્માત, 3 મોત
અમદાવાદથી ભીલવાડા જઈ રહેલી એક ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં કાંકરોલી સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી બે વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ઉદયપુર રીફર કરવામાં આવ્યા છે. આજે વહેલી સવારે લગભગ 8.30 વાગ્યે બનેલી આ ઘટના પાછળનું પ્રાથમિક કારણ ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની પલટી ખાઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી, પરંતુ ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ થતાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આ ખાનગી બસ કંપની અને ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.