ભારતીય ટેસ્ટ ક્રિકેટના નવા યુગનો પ્રારંભ: શુભમન ગિલ બન્યો કેપ્ટન
કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટર વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આજે ભારતીય ટેસ્ટ ક્રિકેટના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. બંનેની નિવૃત્તિ બાદ પ્રથમવાર નવી ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શુભમન ગિલને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બીસીસીઆઈ દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસે જનારી ટેસ્ટ ટીમની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની સ્કવૉડ:
- કેપ્ટન: શુભમન ગિલ
- વાઇસ કેપ્ટન: રિષભ પંત
- બેટ્સમેન: યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ એસ્વરન, કરુણ નાયર, નિતિશ કુમાર રેડ્ડી
- ઓલરાઉન્ડર: રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર
- વિકેટકીપર: ધ્રૂવ જુરેલ
- બોલર્સ: જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ
ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઇન્ડિયાની પસંદગી સમિતિમાં સેક્રેટરી દેવજીત સાઈકિયા અને અજિત અગરકર સહિતના સભ્યો સામેલ હતા. નવી ટેસ્ટ ટીમમાં બે ગુજરાતી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. જોકે, સ્ટાર બોલર મોહમ્મદ શમીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી, કારણ કે તે લગભગ બે વર્ષથી ઇજાઓનો સામનો કરી રહ્યો છે અને ટેસ્ટ ક્રિકેટ રમી શક્યો નથી.