વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫: મોડાસામાં “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ પર સફાઈ સંદેશ રેલી
મોડાસા, અરવલ્લી: વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, “જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા ખાતે એક વિશેષ સફાઈ સંદેશ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ૫ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે ચાર રસ્તા પોલીસ ચોકીથી શરૂ થઈને આઈ.ટી.આઈ., માલપુર રોડ, મોડાસા સુધી યોજાયો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે જે જમીન, જળ અને જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અને પર્યાવરણ સંરક્ષણની પહેલને અનુરૂપ, આ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક સંસ્થાઓ અને સરકારી અધિકારીઓ સક્રિયપણે સહભાગી થયા. આ રેલી દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને રિસાયક્લિંગ, પુનઃઉપયોગ તેમજ જૈવિક વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો સંદેશો આપવામાં આવ્યો.