આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ૬ થી ૧૩ નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ૬ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે. આ દરમિયાન વાસદ, જેતપુર, અમદાવાદ અને પાટણ ખાતે વિવિધ આધ્યાત્મિક, ધાર્મિક અને જ્ઞાનસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના લાખો ભક્તો તેમના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની આ મુલાકાત દિવાળી તહેવારની ઉજવણી દરમિયાન યોજાઇ રહી છે, જે દરમિયાન અનેક પવિત્ર વૈદિક અનુષ્ઠાનો, હોમ, પૂજા, સત્સંગ અને વિશેષ જ્ઞાનસત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ, ભારતીય સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોના પ્રસાર સાથે આનંદ અને સકારાત્મકતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
૬ થી ૧૨ નવેમ્બર વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના ગુજરાત આશ્રમ ખાતે ગુરુદેવની ઉપસ્થિતિમાં “ગુરુ સાનિધ્ય” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ આધ્યાત્મિક અને ધાર્મિક આયોજન છે જેમકે સ્પિરિચ્યુઅલ સોજર્ન જ્ઞાનસત્ર, અષ્ટલક્ષ્મી હોમ, રુદ્ર પૂજા, ગણપતિ હોમ, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ જેવા પવિત્ર અનુષ્ઠાનો. તદુપરાંત, પ્રોજેક્ટ ભારત અંતર્ગત યુવાચાર્યો, YLTP (યુથ લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ)ના પ્રતિનિધિઓ, ગ્રામીણ શિક્ષકો અને આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને કિશોરો માટે વિશેષ ઇન્ટ્યુશન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હેતુ તેમનામાં એકાગ્રતા, આત્મવિશ્વાસ અને આંતરિક ક્ષમતાઓના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ તમામ કાર્યક્રમો ઉપરાંત, ૬ થી ૧૨ નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે ૬:૩૦ વાગ્યે ગુરુદેવ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક વ્યક્તિ ગુરુદેવનાં દર્શનનો લાભ લઈ શકશે.
૮ નવેમ્બરના રોજ જેતપુરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મહાલક્ષ્મી હોમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર વૈદિક અનુષ્ઠાન દ્વારા સમૃદ્ધિ, સુખાકારી અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે. ૧૨ નવેમ્બરના રોજ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુરુદેવના સાનિધ્યમાં “બિયોન્ડ નોલેજ” વિષય પર વિશેષ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રમાં જ્ઞાન, ચેતના, જીવનની સમજ અને આંતરિક વિકાસ જેવા વિષયો પર ગુરુદેવના માર્ગદર્શનનો લાભ મળશે. ૧૩ નવેમ્બરના રોજ પાટણ સ્થિત NGES કેમ્પસ (કોલેજ ગ્રાઉન્ડ) ખાતે ગુરુદેવ સાથે દેવી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અનુષ્ઠાન દ્વારા વૈદિક પરંપરા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય જોવા મળશે. આર્ટ ઓફ લિવિંગ વિશ્વભરમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા અને માનવીય મૂલ્યોના પ્રસાર દ્વારા વ્યક્તિ તથા સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગુરુદેવની આ ગુજરાત મુલાકાત આધ્યાત્મિક જાગૃતિ, સામાજિક સૌહાર્દ, શાંતિ અને સકારાત્મકતાના સંદેશને વધુ વ્યાપક બનાવશે. આ કાર્યક્રમોમાં તમામ વ્યકિતઓ ભાગ લઇ શકે છે. આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા જાહેર જનતાને આ દિવ્ય ઉત્સવનો હિસ્સો બનવા તથા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે દિવાળીના ઉત્સવ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવા આમંત્રણ છે.

