પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર
અમદાવાદ, રવિવાર
હૃદયમાં ભારોભાર શોક-આંખોમાં આંસુ સાથે આજે સંત પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન માટે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. ‘બાપા’ની અંતિમ વખત ઝલક મેળવવા માટે સાળંગપુરમાં રવિવારે જ ગુજરાતમાંથી પાંચ લાખથી વધુ હરિભક્તો ઉમટી પડયા હતા. લાખો હરિભક્તો ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્ય પ્રધાન વિજય રૃપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન બુધવાર સુધી ચાલુ રહેશે ત્યારબાદ બપોરે ૩ વાગે તેઓના પાર્થિવ શરીરનો અંત્યેષ્ઠી સંસ્કાર કરવામાં આવશે.
આધ્યાત્મિક ગુરૃ અને વિશ્વભરમાં અનેક લોકોના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજે શનિવારે સાંજે ૬ વાગે અક્ષરધામગમન કર્યું તેના સમાચર મળતાં જ લાખોની સંખ્યામાં ભક્તોનો વિરાટ સમુદાય તેઓના અંતિમ દર્શન માટે સાળંગપુર તરફ વહેતો થયો હતો. રાજકોટથી સાળંગપુર જતા માર્ગ પર ૫ થી ૭ કિલોમીટર લાંબી લાઇન હતી અને તેના પરથી જ ભક્તોના ઘોડાપુરનો અંદાજ બાંધી શકાય છે. પ્રમુખસ્વામી મહારાજની ભાવવંદના કરતી પ્રાર્થનાસભા સાળંગપુર ખાતે બી.એ.પી.એસ. મંદિરના સભાગૃહમાં યોજવામાં આવી હતી. જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના તમામ વરિષ્ઠ સંતો, હજારો ભક્તો, ૭૦૦થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાર્થનાસભામાં પ્રમુખસ્વામી મહારાજના અનુગામી તરીકે મહંતસ્વામીના નામની વિધિવત્ ઘોષણા કરવામાં આવી હતી.
લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હોવા છતાં કોઇ પણ હરિભક્તને સહેજપણ અગવડ પડે નહીં તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઇ મોખરાની મેનેજમેન્ટ સંસ્થાને પણ શિખવું પડે એ ઢબનું ચીવટપૂર્વકનું આયોજન બી.એ.પી.એસ. દ્વારા કરવામાં આવેલું છે. સાળંગપુર શરૃ થવાનું હોય તેના પાંચ કિલોમીટર અગાઉ જ હરિભક્તોને માર્ગદર્શન આપવા સ્વંયસેવકોની ફોજ તૈનાત કરી દેવામાં આવી છે.
બોટાદ-બરવાળા સુધી વિશેષ એસટી બસ પણ શરૃ કરી દેવામાં આવી છે. સાળંગપુર ખાતે કોઇ પ્રકારની અરાજક્તા સર્જાય નહીં તેના માટે ત્યાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આજે પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા બાદ ખાસ કરીને મોટાભાગના તમામ હરિભક્તોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય તેમ ધુ્રસ્કેને ધુ્રસ્કે રડી પડયા હતા.
ભાવિક ભક્તો પૂ. પ્રમુખસ્વામી મહારાજાના અંતિમ દર્શન કરી શકે તે માટે મંદિર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોમાં પણ સ્વયંભૂ શિસ્ત જોવા મળી રહી છે. વ્યવસ્થા જાળવવા માટે ૧૦ હજાર સ્વયંસેવકો ખડેપગે સેવા બજાવી રહ્યા છે. રાજકીય, સામાજિક, આધ્યાત્મિક સહિતના વિભિન્ન ક્ષેત્રના ટોચના મહાનુભાવો સારંગપુર આવી રહ્યા હોઈ એક આઈ.એ.એસ. અને પાંચ આઈ.પી.એસ. અધકારીઓના માર્ગદર્શનમાં ડીવાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ., એલ.સી.બી. સહિતનો પોલીસનો વિશાળ કાફલો બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવેલ છે.
રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે ‘પ્રમુખસ્વામી મહારાજ કોઇ એક ધર્મ કે દેશના નહીં પણ સમગ્ર માનવજાતિના હતા. તેમણે સમાજને ધર્મનો સાચો અર્થ એ સેવા છે તે સમજાવ્યું હતું.
આજે કયા મહાનુભાવો અંતિમ દર્શને આવ્યા?