ગાંધીનગરમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે મુખ્ય કાર્યક્રમ
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૧ જૂન, ૨૦૨૫ના રોજ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સવારે ૬:૦૦ થી ૮:૦૦ દરમિયાન મુખ્ય કાર્યક્રમ યોજાશે.
આ વર્ષની થીમ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ છે, જેનો ઉદ્દેશ્ય નગરજનોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને મેદસ્વિતા સામે લડવા માટે પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત પોલીસ, NCC, DLSS, SAI, ITI જેવી સંસ્થાઓ, સામાજિક સંગઠનો, શાળાઓના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
વરસાદની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વૈકલ્પિક સ્થળ તરીકે હૉલ નં. ૧, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-૧૭ની વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત, ગાંધીનગરના દરેક વોર્ડમાં પણ સ્થાનિક સ્તરે યોગ કાર્યક્રમોનું આયોજન થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાઈને સ્વસ્થ જીવનની દિશામાં આગળ વધવા હાર્દિક આમંત્રણ આપ્યું છે.