ગાંધીનગર-ચિલોડા હાઈવે પર હિટ એન્ડ રન: બાઈક સવાર યુવાનનું મોત
ગાંધીનગર: ગાંધીનગર-ચિલોડા હાઈવે પર આવેલા આર્મી કેમ્પ પાસે ગઈકાલે રાત્રે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું. દહેગામ તાલુકાના લીહોડા ગામના રહેવાસી કિરણ, જે ડભોડા ખાતે રહીને આલમપુરના નાયરા પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો, તે પોતાના બાઈક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ચિલોડા આર્મી કેમ્પના ગેટ નંબર એક પાસે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધો હતો અને ફરાર થઈ ગયો હતો.
ગંભીર રીતે ઘાયલ કિરણને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. ગાંધીનગર શહેર અને આસપાસના હાઈવે પર અકસ્માતો અને ખાસ કરીને હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ ઘટના અંગે ચિલોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.