વન્યપ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી: ભિલોડામાં ‘ઘો’ ના શિકાર બદલ ત્રણની ધરપકડ, રિમાન્ડ મંજૂર
અરવલ્લી: અરવલ્લી વન વિભાગ દ્વારા ભિલોડા તાલુકાના ધોલવાણી ખાતે વન્યપ્રાણી ‘ઘો’ (બંગાળી ચંદન ઘો) ના ગેરકાયદેસર મારણ અને માંસ રાંધવાના કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ૨૪ જૂનના રોજ મુકેશભાઈ નટવરનાથ કનિપાને રંગે હાથે ઝડપી લીધા બાદ, નાયબ વન સંરક્ષકશ્રી અને મદદનીશ વન સંરક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસના અંતે ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો, રાજુનાથ ઉદાનાથ મદારી અને જગદીશભાઈ નટુભાઈ મોડિયા, ને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. કુલ ત્રણ આરોપીઓને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૨૨) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભિલોડા કોર્ટમાં રજૂ કરાયા હતા. નામદાર કોર્ટે વધુ તપાસ અર્થે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.