ગુગલ રિવ્યુના બહાને ૧૩ લાખની છેતરપિંડી: કલોલના યુવાન બન્યો સાયબર ગઠિયાનો શિકાર
ગાંધીનગર: સાયબર ગઠિયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે કલોલ તાલુકાના વડસર એરફોર્સ સ્ટેશન ખાતે રહેતા એક યુવાન, મોહિત છગનલાલ, ગૂગલ નકશા પર રિવ્યુ આપીને કમિશન કમાવવાની લાલચમાં રૂ. ૧૩ લાખની છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગત ૨૫ એપ્રિલે મોહિતને વોટ્સએપ મેસેજ મળ્યો હતો, જેમાં તેને ગૂગલ રિવ્યુના બદલે કમિશન આપવાનું વચન અપાયું. શરૂઆતમાં નાના કમિશન મળતા વિશ્વાસ બેઠો, અને બાદમાં તેને ટેલિગ્રામ ગ્રુપમાં જોડી રોકાણ કરવાનું કહેવાયું. તેણે પોતાના અને મિત્રોના ખાતામાંથી કુલ ૧૩ લાખ રૂપિયા જુદા જુદા ખાતાઓમાં જમા કરાવ્યા. વધુ રૂપિયાની માંગણી અને એકાઉન્ટ ફ્રીઝ કરવાની ધમકી મળતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો.