દહેગામની જે.એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ, કલેક્ટર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
ગાંધીનગર: દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે.એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલમાં આજે બપોરના ભોજન બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા ખળભળાટ મચી ગયો હતો. હોસ્ટેલમાં રહેતા કેટલાક બાળકોની તબિયત લથડતા તાત્કાલિક તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ, હાલમાં તમામ અસરગ્રસ્ત બાળકોની સ્થિતિ સુધારા પર છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી ફૂડ પોઈઝનિંગના કારણો જાણી શકાય અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય. આ મુલાકાત દરમિયાન, કલેક્ટરશ્રીએ ગાંધીનગર સિવિલના ડોક્ટર્સ અને જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ પાસેથી વિદ્યાર્થીઓની તબિયત અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. પરિસ્થિતિનો તાગ મેળવવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રાંતશ્રી પાર્થ કોટડીયા અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ.જે. વૈષ્ણવ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.