અમરનાથ યાત્રાનો પ્રારંભ: ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુથી યાત્રીઓને લીલી ઝંડી આપી
જમ્મુ: પવિત્ર અમરનાથ યાત્રાનો આજરોજ (૨ જુલાઈ) થી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ યાત્રીઓના પ્રથમ સમૂહને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા. કુલ ૩૮ દિવસ સુધી ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ એમ બંને રૂટ પરથી થશે. યાત્રાને ધ્યાનમાં રાખીને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સહિતના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. યાત્રીઓ આજે બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે મોટાભાગના લોકો તેમની યાત્રાનો પ્રારંભ ૩ જુલાઈથી કરશે. આ યાત્રાનું સમાપન ૯ ઓગસ્ટે રક્ષાબંધનના પવિત્ર દિવસે થશે. તંત્ર દ્વારા યાત્રીઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.