ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ સંકટ: પાટીદાર નેતાને પ્રમુખ પદ સોંપવા પ્રબળ માંગ, પાટણમાં મહાસંમેલન
અમદાવાદ: કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાથી ખાલી પડેલા પદને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ મુદ્દે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ પદ સોંપવાની પ્રબળ માંગ ઉઠી છે. હાલમાં પ્રમુખ પદ અને વિપક્ષના પદને લઈને કોંગ્રેસમાં મોટો આંતરિક ડખો જોવા મળી રહ્યો છે. પાટીદાર નેતાઓએ આ મુદ્દે બાંયો ચડાવી છે, અને તેમની માંગણીઓને બુલંદ કરવા પાટણમાં એક મહાસંમેલન યોજવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ સંમેલનમાં પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો, કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના તમામ આગેવાનો હાજર રહેશે.