ગુજરાતમાં મેઘમહેર યથાવત: 24 કલાકમાં 203 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાએ સર્વત્ર મહેર કરી છે. રવિવારે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં (6 જુલાઈ સવારે 6 થી 7 જુલાઈ સવારે 6 સુધી) કુલ 203 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ વરસાદ થાય તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે 10મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને પણ આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગના સુબીર અને સુરતના બારડોલીમાં પણ 5 ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. આગામી 8 જુલાઈ બાદ વરસાદનું જોર આંશિક રીતે ઘટવાની શક્યતા છે, જ્યારે 9 અને 10 જુલાઈના પણ છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે.