રોઇટર્સના X એકાઉન્ટ બ્લોક મુદ્દે કેન્દ્ર સરકાર અને X વચ્ચે શાબ્દિક યુદ્ધ
આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા રોઇટર્સના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં બ્લોક થવા મુદ્દે કેન્દ્ર સરકાર અને X વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. X દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્ર સરકારે રોઇટર્સ સહિત 2355 એકાઉન્ટ્સ એક જ કલાકમાં બ્લોક કરવા આદેશ આપ્યો હતો, અને આ અંગે કોઈ ચોક્કસ કારણ અપાયું ન હતું. X એ ભારતમાં મીડિયા સ્વતંત્રતા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
જોકે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) મંત્રાલયે આ દાવાને રદિયો આપ્યો છે. મંત્રાલયે નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, રોઇટર્સના એકાઉન્ટ બ્લોક કરવા અંગે સરકારે કોઈ વિનંતી કરી ન હતી, અને X “હકીકતને અલગ દિશામાં વાળવાનો પ્રયાસ” કરી રહી છે. સરકારે તો X નો સંપર્ક કરીને આ એકાઉન્ટ્સ ફરી શરૂ કરવા જણાવ્યું હતું. સરકારની અનેક વિનંતીઓ છતાં, રોઇટર્સનું એકાઉન્ટ 20 કલાક બાદ ફરી શરૂ કરાયું હતું. હાલ X અને સરકાર બંનેના દાવા પર સવાલો ઉઠી રહ્યા છે કે કોણ સાચું બોલી રહ્યું છે. આ ઘટના મીડિયાની સ્વતંત્રતા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સરકારી નિયંત્રણો અંગેની ડિબેટ (debate) ને વધુ વેગ આપ્યો છે.