એમ. એસ. યુનિ.નો વાસ્તવિક ઇતિહાસ: ‘મેજર હિંટ્સ’
વડોદરામાં ગઈ કાલે પ્રબુદ્ધ જનોની એક સભામાં નિવૃત્ત પ્રાધ્યાપક ડો. આઈ. આઈ. પંડ્યા દ્વારા લખવામાં આવેલા ‘મેજર હિંટ્સ’ પુસ્તકના વિમોચન સમારંભમાં શ્રીમાન પ્રકાશ ન. શાહ સાથે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.
આ પુસ્તક એક સંનિષ્ઠ અધ્યાપક દ્વારા તેમ જ અધ્યાપક મંડળ દ્વારા એમ. એસ. યુનિ.માં જે રચના અને અહિંસક પ્રતિકારનું કામ છેલ્લાં ત્રીસેક વર્ષના ગાળામાં થયું છે તેનું પ્રથમહસ્ત બયાન છે. આ કામમાં બધે સફળતા મળી છે એવું તો નથી જ.
છેલ્લાં પચીસેક વર્ષથી ગુજરાતની બધી યુનિ.ઓમાં જ્યારે સરકારની આરતી ઉતરવાનો રવૈયો અપનાવવાનું થયું છે, અને સરકાર આંગળી માંગે તો પહોંચો આપી દેવાની અલિખિત પ્રણાલી અપનાવવામાં આવી છે ત્યારે પંડ્યા સાહેબ દ્વારા અને અધ્યાપક મંડળ દ્વારા એમ. એસ. યુનિ. માં જે લડત આપવામાં આવી છે તેનું ચિત્રણ અનુભવને આધારે કશીય અને કોઈનીય તમા રાખ્યા વિના આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
ગુજરાતની બધી યુનિ.ઓમાં અધ્યાપકો તેમની અને યુનિ.ની આપવીતી લખે તો ગુજરાતના ઉચ્ચ શિક્ષણનો છેલ્લાં ૨૫ વર્ષનો ઇતિહાસ કેટલો વરવો રહ્યો છે તેની પતીજ ભાવિ પેઢીને ચોક્કસ પડે અને રાજ્યમાં લોકોના ભોગે ઉચ્ચ શિક્ષણની કેવી ઘોર ખોદાઈ ગઈ છે એની સમજણ પણ સૌ નાગરિકોને પણ પડે.
આ પ્રસંગે આપેલા ટૂંકા પ્રવચનમાં જણાવેલા મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:
(૧) વીસમી સદીએ આપણને એક વાત શીખવી છે કે આપખુદી શાસકોને ઘણી વાર ઇતિહાસ ખતરાજનક લાગે છે. તેઓ તેમની સત્તાને મજબૂત કરવા માટે ઇતિહાસને ભૂંસવાનો કે છુપાવવાનો પ્રયાસ કરે છે.
(૨) તાનાશાહીનો દુશ્મન લોકશાહી છે, અને તેમાં ઈતિહાસની વાસ્તવિકતા વિશેના અનેક દૃષ્ટિકોણો સ્વીકારવામાં આવે છે.
(૩) લોકશાહીમાં ઇતિહાસ સ્થિર નથી, દંતકથાત્મક પણ નથી; પણ ગતિશીલ અને કથનાત્મક હોય છે. ઇતિહાસને ભૂંસવાનું તાનાશાહી શાસનને ફાવે છે કારણ કે તે એક જ દૃષ્ટિકોણ આપે છે, એક જ પ્રકારની વાર્તા તરીકે તેને ખોટી રીતે રજૂ કરે છે.
(૪) લોકો જે અનુભવો જીવ્યા હોય છે અને પેઢી દર પેઢી જે વારસો હાડકાંમાં ઊતર્યો હોય છે તે ઈતિહાસને તાનાશાહો ક્દી દૂર કરી શકતા નથી.
(૫) સરમુખત્યારો દંતકથાને આધારે ઇતિહાસ ઊભો કરે છે અને તેનો પ્રચાર કરે છે. અવાસ્તવિકતાની સ્થિતિનું સર્જન કરવા તેઓ બુદ્ધિજીવીઓનો વિરોધ કરે છે. આ પુસ્તક આવા વિરોધનો નકરો વિરોધ છે.
(૬) એમ.એસ. યુનિવર્સિટીનો આ ખરો ઇતિહાસ છે કે જેમાં અધ્યાપકોની આઝાદીની અને યુનિ.ની ગરિમાને ટકાવવાની વ્યક્તિગત અને સામૂહિક લડતનું પ્રમાણ છે.
કોઈ તાનાશાહ આઈ. આઈ. પંડ્યા સાહેબને “આંદોલનજીવી” કહીને ધુત્કારે એમ પણ બને.
સૌ અધ્યાપકો આ પુસ્તક વાંચે, પછી વિચારે અને તેમાંથી પ્રેરણા લે એવી સ્વાભાવિક અપેક્ષા છે.
– પ્રો. હેમંતકુમાર શાહ