ગુજરાતમાં નશાકારક દવાઓ વિરુદ્ધ મેગા રેડ: 1600થી વધુ મેડિકલ સ્ટોર્સ પર દરોડા
ગુજરાતમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે વેચાણને રોકવા માટે, બુધવારે (૯ જુલાઈ) ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના સંકલનમાં ગુજરાત પોલીસે રાજ્યભરમાં એક વિશાળ સર્ચ ઓપરેશન (search operation) હાથ ધર્યું. અમદાવાદ, સુરત, વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં ૧૬૦૦ થી વધુ મેડિકલ સ્ટોર્સમાં દરોડા પાડીને ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું.
આ અભિયાનમાં અમદાવાદ શહેર પોલીસે ૭૨૪ મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરી એનડીપીએસ (NDPS) ના એક કેસ સહિત કુલ ૧૬૦ કેસ દાખલ કર્યા. સુરતમાંથી ૩૩૩ મેડિકલ સ્ટોર્સમાંથી ચેકિંગ દરમિયાન ૧૦૮ કોડીન સીરપ અને ૫ આલ્પ્રામાઝોલ બોટલ જપ્ત કરવામાં આવી. વલસાડમાં ૨૮૨ મેડિકલ સ્ટોર્સમાં સર્ચ કરતા એક એનડીપીએસ કેસ સહિત ૪૫ કેસ નોંધાયા. પાટણ, નવસારી, જામનગર, ભરૂચ, આહવા-ડાંગ, દાહોદ, પંચમહાલ અને ગાંધીનગર જેવા અન્ય જિલ્લાઓમાં પણ વ્યાપક ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન (prescription) વિના વેચાતી દવાઓ અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદે સંગ્રહને નાથવા માટે કરવામાં આવી હતી, જે પબ્લિક હેલ્થ (public health) માટે એક મહત્વનો મુદ્દો છે.