PM મોદીની ઐતિહાસિક સિદ્ધિ: 26થી વધુ દેશોના સર્વોચ્ચ સન્માન મેળવનાર પ્રથમ PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે જેમને વિશ્વના ૨૬થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં, ઘાના અને બ્રાઝિલે તેમને સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી નવાજ્યા છે. ઘાના સરકારે વડાપ્રધાન મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ (Officer of the Order of the Star of Ghana) થી સન્માનિત કર્યા, જે તેમના વૈશ્વિક નેતૃત્વ અને ભારત-ઘાના સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન માટે અપાયો. અગાઉ, બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ તેમને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ’ (Grand Collar of the National Order of the Southern Cross) થી સન્માનિત કર્યા હતા, જે ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ હતો. ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા પછી, PM મોદીને સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, કુવૈત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો સહિત એશિયા, યુરોપ, આફ્રિકા, ગલ્ફ દેશો, ઓશનિયા અને અમેરિકાના ૨૬થી વધુ દેશો તરફથી સન્માન પ્રાપ્ત થયા છે. આ સન્માનો તેમના ‘પ્રધાન સેવક’ તરીકેના કાર્ય અને ભારતની આકાંક્ષાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.