સાઈના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપના સંબંધોનો અંત: 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા
ભારતીય બેડમિન્ટન (Badminton) જગતના આઇકોન (Icon) અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાઈના નેહવાલ (Saina Nehwal) એ રવિવારે તેના લાંબા સમયના સાથી અને પતિ પારૂપલ્લી કશ્યપ (Parupalli Kashyap) થી અલગ થવાની જાહેરાત કરી છે. સાઈનાએ તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર એક નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી. સાઈના અને કશ્યપના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા, અને બંને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં (Pullela Gopichand Badminton Academy) સાથે ટ્રેનિંગ (Training) લેતા હતા. લાંબા સમય સુધી રિલેશનશીપમાં (Relationship) રહ્યા બાદ તેમણે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.
સાઈના નેહવાલે ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને અને ૨૦૧૫માં વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં (World Badminton Ranking) પ્રથમ સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. તે વિશ્વની નંબર વન (Number One) શટલર બનનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી હતી. બીજી તરફ, પારૂપલ્લી કશ્યપે ૨૦૧૪માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો અને વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યો હતો. સાઈનાએ તેના નિવેદનમાં જણાવ્યું કે, “જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ઘણો વિચાર કર્યા પછી કશ્યપ પારુપલ્લી અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે.” કશ્યપે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી.