ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસ માટે પાણીકાપ રહેશે
રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં પ્રથમવાર બે દિવસ માટે પીવાના પાણીનો સપ્લાય આગામી તારીખ 25 અને 26મી જુલાઇએ બંધ રહેવાનો છે. 24 કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની હોવાથી આ નિર્ણય લેવાનું અનિવાર્ય બન્યું છે. આ દરમિયાન જ્યાંથી પાણી ઉપાડવામાં આવે છે, તેવા નભોઈ પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે, તેવા ચરેડી વોટર વર્કસમાં વિવિધ નવી મશીનરી લગાડવાની સાથે તેને મેઇન લાઈન સાથે જોડાણ આપીને યાંત્રિક ક્ષમતામાં વધારો કરાશે. આમ કરવાથી પાણી ઉપાડવાની ક્ષમતા 140થી વધી 240 એમએલડીએ પહોંચશે. પાટનગરમાં મીટર મુકીને ત્રીજા માળ સુધી તથા 24 કલાક પાણી પહોંચાડવાની યોજના સંબંધી મોટાભાગની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઉપરાંત પાણીના શુદ્ધિકરણ અને વિતરણ માટે જરૂરી ક્ષમતાઓ વધારવામાં આવી છે. હવે ચરેડી હેડ વર્કસમાં વાલ્વ બદલવાની કામગીરી તેમજ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર શહેર માટે 24 કલાક પાણી આપવાના પ્રોજેક્ટ માટે સંપના આંતરીક જોડાણની કામગીરી કરવાની છે. આ ઉપરાંત નભોઈ પમ્પિંગ સ્ટેશનમાં ગાંધીનગર તાલુકા માટે નભોઈ પમ્પીંગ સ્ટેશન ખાતે નવી પમ્પીંગ મશીનરી ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી કરવાની છે. તેના માટે તારીખ 25 અને 26 જુલાઈ એમ બે દિવસ માટે પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે, તેમ પાણી પુરવઠા બોર્ડના ઈજનેરી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે મહાપાલિકાના સૂત્રો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, કે બે દિવસ માટે પાણી પુરવઠામાં વિક્ષેપ રહેશે અથવા ઓછા ફોર્સથી પાણી આવશે.