મહેમદાવાદ-ખેડાને જોડતો મેશ્વો નદી પરનો કોઝવે તૂટ્યો: ૪૦ ગામોને હાલાકી
નડિયાદ: મહેમદાવાદ અને ખેડા તાલુકાના ૪૦ જેટલા ગામોને જોડતો મેશ્વો નદી પરનો કોઝવે (Causeway) છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં હતો, જે તાજેતરમાં ભારે વરસાદને કારણે ધોવાઈ જતાં તૂટી ગયો છે. આ ઘટનાથી સમાદરા અને સાદરા સહિત ૪૦ ગામોનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ કોઝવે પરથી ખેડૂતો, નોકરિયાત અને વિદ્યાર્થીઓ સહિત ૪૦ ગામોના લોકો અવરજવર કરતા હતા. સમારકામ માટે અવારનવાર રજૂઆતો કરવા છતાં માત્ર માટીના પુરાણકામથી વેઠ ઉતારવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. આ કોઝવે ધોવાઈ જતાં લોકોના સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. ખેડા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના એજ્યુકેટીવ એન્જિનિયર ધર્મેશ હળપતિએ જણાવ્યું કે, ૩૫ વર્ષ જૂના આ કોઝવેના નવીનીકરણ માટે રૂ. ૬ કરોડ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ નવા એસ્ટિમેન્ટ મુજબ રૂ. ૧૦ કરોડની જરૂરિયાત ઊભી થઈ છે. બાકીના નાણાં મંજૂર થતાં જ નવીન બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.