ગીર ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ‘ઇકો ફ્રેન્ડલી રાખી’ બનાવવાની અનોખી પ્રવૃત્તિનું આયોજન
ગાંધીનગર: ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને પર્યાવરણનું જતન અને કચરાનો યોગ્ય ઉપયોગ કરવાના ઉદ્દેશથી ગાંધીનગરના ગીર ફાઉન્ડેશન દ્વારા એક અનોખી ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં યોજાયેલી આ પ્રવૃત્તિમાં 40 થી 50 બાળકો, તેમના વાલીઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને ઘરની જૂની અને વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર અને પર્યાવરણને અનુકૂળ રાખડીઓ બનાવતા શીખવવાનો હતો. આ પ્રવૃત્તિમાં સહભાગીઓએ જૂના તોરણના મોતી, મણકા, નળાસરી, પિસ્તાની છાલ અને ન્યૂઝપેપર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની સર્જનાત્મકતાથી અવનવી રાખડીઓ બનાવી હતી.
ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, નાગરિકોમાં ટકાઉ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વધારવા માટે ‘મિશન લાઇફ’ના ઉદ્દેશને સાકાર કરવા વર્ષભર આવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે, પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે ઉપસ્થિત લોકોને છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઇકો-ફ્રેન્ડલી પહેલને સૌએ બિરદાવી હતી.