ગાંધીનગરમાં રેતી ચોરી ઝડપાઈ: જેસીબી અને બે ટ્રેક્ટર સાથે 59 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લાના શાહપુર નજીક સાબરમતી નદીના પટ્ટમાંથી થઈ રહેલા ગેરકાયદેસર રેતી ખનનને રોકવા માટે ભૂસ્તર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ₹59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટરનો સમાવેશ થાય છે.આ વર્ષે સારો વરસાદ થવાથી સાબરમતી નદીમાં પાણીની આવક સારી રહી છે, જેના કારણે રેતીના ગેરકાયદેસર ખનનનો ભય વધ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમ સતત સક્રિય છે. બાતમીના આધારે ગઈકાલે બપોરે લગભગ દોઢ વાગ્યે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગેરકાયદેસર રીતે રેતી ખોદી રહેલું જેસીબી મશીન અને રેતી ભરીને જઈ રહેલા બે ટ્રેક્ટરને પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ વાહનોને કલેક્ટર કચેરીના પરિસરમાં જપ્ત કરવામાં આવ્યા છે.જપ્ત થયેલા વાહનોના માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો-2017 હેઠળ દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, જે જગ્યાએ ખનન થયું હતું તેની માપણી પણ કરવામાં આવી રહી છે, જેના આધારે પણ દંડ લાદવામાં આવશે.