ન્યુ ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો: ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો
ગાંધીનગરના ન્યુ ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છરજન્ય રોગો, ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. વાદળછાયા અને ભેજવાળા વાતાવરણ તથા છૂટાછવાયા વરસાદના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના પરિણામે મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
ગાંધીનગરના સેક્ટર 3, 4, 6, 7 અને 24 ઉપરાંત સરગાસણ, કુડાસણ અને વાવોલ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પણ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે મેલેરિયા કરતાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ગિફ્ટ સિટીમાં પણ ડેન્ગ્યુના કેસો વધતા તંત્રની ચિંતા વધી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના 88 કેસ નોંધાયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ડેન્ગ્યુના દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટવાના કિસ્સા પણ વધી રહ્યા છે, જેથી સામાન્ય તાવમાં પણ તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની ભલામણ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગને આગામી દિવસોમાં રોગચાળો વધુ ન ફેલાય તે માટે અત્યારથી જ તકેદારીના પગલાં ભરવા સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ નાગરિકોને પણ પોતાના ઘરની આસપાસ અને પક્ષીકુંજ જેવી જગ્યાઓમાં પાણી જમા ન થવા દેવા અપીલ કરવામાં આવી છે જેથી મચ્છરોનો ઉછેર અટકાવી શકાય.