રાયસણ સર્વિસ રોડ પર આવેલા બે મંદિરો મનપાએ તોડી પાડ્યા
ગાંધીનગર :
તાજેતરમાં જ કારચાલક હિતેશ પટેલે નશાની હાલતમાં પોતાની કારને 150ની સ્પીડે ચલાવીને રાંદેસણ- રાયસણ સર્વિસ રોડ પર 5 વાહનોને ટક્કર મારતાં બે લોકોના મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને થોડા દિવસ પહેલા સર્વિસ રોડ પરના તમામ દબાણો હટાવી દેવાયાં હતાં. આ કાર્યવાહી બાદ મધરાતે સર્વિસ રોડ પરના બે ધાર્મિક દબાણો તોડી પાડવા માટે ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની દક્ષિણ ઝોનની ટીમ દ્વારા સર્વિસ રોડ પર બનેલા શનિદેવ મંદિર અને દીપેશ્વરી માતાજીના મંદિરના દબાણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બાદ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સમગ્ર સર્વિસ રોડનો સરવે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીં ફૂટપાથ પર, રોડ સાઇડ પર અને વેપારીઓના ઓટલા પર ઊભા થયેલા લારી- ગલ્લાના દબાણો હટાવી દેવાયા હતા અને રસ્તો મહત્તમ ખુલ્લો થાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ વખતે ધાર્મિક દબાણો પણ ધ્યાનમાં આવ્યા હતા પરંતુ લોકોની ધાર્મિક લાગણી અને આસ્થા જોડાયેલી હોવાને કારણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
મહાનગરપાલિકાના અધિકારી સૂત્રોના કહેવા પ્રમાણે સર્વિસ રોડ પર શનિદેવ મંદિર રસ્તા પર ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ હોવાથી અને સરકારી જમીન પર ગેરકાયદે બન્યું હોવાથી તેને જાતે હટાવી લેવા માટે મંદિર સાથે જોડાયેલા સંચાલકોને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેમના તરફથી કોઈપણ પ્રકારનો પ્રતિભાવ નહીં મળતાં આખે મહાનગરપાલિકા દ્વારા મધરાતે 3 વાગ્યે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.