દહેગામમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો, ૮ જુગારીઓ ૧૪ હજારના મુદ્દામાલ સાથે પકડાયા
ગાંધીનગર: શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃત્તિઓ વધી રહી હોવાને કારણે ગાંધીનગર જિલ્લા પોલીસ સતર્ક બની છે. દહેગામના બહિયલ ગામમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમી રહેલા આઠ ઈસમોને ઝડપી લીધા છે. પોલીસને બાતમી મળી હતી કે બહિયલ ગામના ઉગમણા ફળી નજીક આવેલા શોપિંગ સેન્ટર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે, દહેગામ પોલીસની એક ટીમે ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા આઠ લોકોને ઘેરીને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બહિયલ અને મહેમદાબાદના જાવેદભાઈ મીર, મુક્તિયાર મીર, નશરુદ્દીન પરમાર, ફિરોજભાઈ મીર, બસીરભાઈ મીર, મોસીનભાઈ મલેક, મહંમદશરીફ ખલીફા અને સંજયભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી જુગારના સાધનો અને રોકડ મળીને કુલ ₹14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.