અમદાવાદ: BRTS કોરિડોરમાં કાર અને ટુ-વ્હીલર અથડાતાં બે યુવકોનાં મોત
અમદાવાદના નહેરુનગર વિસ્તાર નજીક ફરી એકવાર એક ગંભીર અકસ્માત થયો છે. ઝાંસીની રાણીના પૂતળા પાસે મોડી રાત્રે BRTS કોરિડોરમાં એક કાર અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેમાં ટુ-વ્હીલર પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ ૨૨ વર્ષીય અકરમ અલ્તાફભાઈ કુરેશી અને ૩૫ વર્ષીય અસફાક જાફરભાઈ અજમેરી તરીકે થઈ છે. બંને યુવકો મોડી રાત્રે શિવરંજની તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી એક બેફામ કારે તેમને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે ટુ-વ્હીલર BRTSની રેલિંગ સાથે અથડાઈને સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જે બાદ તેમના પરિજનોને સોંપવામાં આવશે. આ અકસ્માતને કારણે બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.