અમદાવાદ: નિકોલના સ્થાનિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટરોને ઘેર્યા
અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને ચાર કોર્પોરેટરોને સ્થાનિક લોકોના રોષનો સામનો કરવો પડ્યો. અમર જવાન સર્કલ પાસે લોકોની સમસ્યા સાંભળવા પહોંચેલા નેતાઓને સ્થાનિકોએ ઘેરી લીધા અને રોડ-રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે ઉગ્ર રજૂઆત કરી.
સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામ થતું નથી અને કોર્પોરેટરો ફોન પણ ઉપાડતા નથી. આ દરમિયાન નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલ ઉગ્ર સ્વભાવમાં આવી ગયા અને લોકો સાથે તીખી ચર્ચા કરી, જેનાથી મામલો વધુ ગરમાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના બાદ, ભાજપના નેતાઓ સ્થાનિકો સાથે વધુ વાતચીત કર્યા વિના જ ફોટો પડાવીને નીકળી ગયા હતા. અગાઉ પણ અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને પણ સ્થાનિક લોકોએ ઘેરી લીધા હોવાની ઘટના બની હતી, જેમાં લોકોએ રોડ, પાણી અને ગટરના કામો ન થતા હોવા બદલ તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે લોકોમાં સ્થાનિક નેતાઓ સામે ભારે નારાજગી છે.