શુક્રવારે સે.૭એમાં ભારતમાતા મંદિર ખાતે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન
ગાંધીનગર તા.૧૧
સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને દેશના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી હેપ્પી યુથ ક્લબ, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના અને વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા સેવા વિભાગનું સંયુક્ત આયોજન
ભારતના સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને દેશના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી તેમજ હેપ્પી યુથ ફાઉન્ડેશન, ગાંધીનગર સંચાલિત હેપ્પી યુથ ક્લબ દ્વારા લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના અને વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા સેવા વિભાગના સહયોગથી તા.૧૫મી ઓગસ્ટ, ૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૯.૦૦ થી બપોરના ૧૨ વાગ્યા દરમ્યાન ગાંધીનગરના સેક્ટર-૭એમાં ભારતમાતા મંદિર ખાતે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ આયોજિત હેપ્પી રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે “રક્તદાતા પ્રોત્સાહન કિટ” આપી સન્માનીત કરવામાં આવશે. “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવશે. આ “હેપ્પી રક્તદાન શિબિર”માં એકત્રિત રક્ત આકસ્મિક યુદ્ધની પરિસ્થિતિ કે જરૂરિયાતમંદ દર્દીઓને અકસ્માત, ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે જીવન બચાવવા ઉપયોગી નીવડશે. માનવસેવાના આ કાર્યમાં મોટી સંખ્યામાં સામેલ થવા શહેરના રક્તદાતાઓ, યુવાનોને હેપ્પી યુથ ક્લબ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.