લોકશાહીને જીવતી રાખવી હોય તો ગાળો ભાજપને આપો, કોંગ્રેસને નહીં
(૧) જેનું શાસન હોય એની ટીકા કરો. ભૂતકાળમાંથી કશું શીખવાનું કે નહીં? ભૂતકાળમાં કોઈ પણ પક્ષના શાસનમાં લોકશાહી ખરાબ હોય તો તે અત્યારે સુધરવી જોઈએ કે બગડવી જોઈએ? જો લોકશાહી સુધરવી જોઈએ એમ માનતા હોઈએ તો હાલના શાસકો જે કંઈ ખરાબ કરતા હોય તેની ટીકા કરવી જ પડે. એ આપદ ધર્મ કહેવાય! મહાભારતમાં કૃષ્ણે અર્જુનને શીખવેલો તે આપદ ધર્મ!
(૨) કમાલનો તર્ક છે આ કે કોંગ્રેસે ખરાબ કૃત્યો કરેલાં એટલે ભાજપ અને મોદી કરે તો ચાલે! કોંગ્રેસે કટોકટી લાદેલી કે નહીં, તેમણે સાંસદોને જેલમાં પૂરેલા કે નહિ? તો નરેન્દ્ર મોદી સાંસદોને રેલી ન કાઢવા દે તો ચાલે!
(૪) કોંગ્રેસનાં ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭માં ૧૯ મહિના કટોકટી લાદેલી. તેઓ સરમુખત્યાર થઈ ગયેલાં. તેમ છતાં તેમણે ૧૯૭૭માં ચૂંટણી આપી. ચૂંટણીમાં હાર્યાં તો ગાદી છોડી દીધી. ચૂંટણી સમયે બંધારણીય રીતે જાહેર થયેલી કટોકટી ચાલુ હતી. ઇન્દિરા ધારે તે કરી શકે તેમ હતાં. પણ સત્તા છોડી. વોટ ચોરી મોટા પાયે કરવી હોત તો તેઓ કરી શકત કે નહીં? કરી? અરે, ચૂંટણી જ ન આપી હોત તો? તેઓ તાનાશાહ તરીકે સત્તા પર ચાલુ જ રહ્યાં હોત!
(૩) સલમાન ખાન કાળિયારના શિકારમાં જેલમાં ના ગયો. કારણ ગમે તે હોય. માટે હવે તમે પણ કાળિયારનો શિકાર કરો, જાવ! કોઈ ગુનો કરે એટલે બીજાને ગુનો કરવાનો પરવાનો મળે છે?
કોંગ્રેસે આમ કરેલું અને કોંગ્રેસે તેમ કરેલું, નેહરુ અને ઇન્દિરાએ આમ કરેલું ને તેમ કરેલું. એમ કહીને ભાજપ, નરેન્દ્ર મોદી અને તેમના મળતિયાઓ અને તેમના અંધ ભક્તો પોતાને ગમે તે કરવાનો પરવાનો મળે છે એમ અબુધ નાગરિકોના મનમાં ઠસાવવા માગે છે. એમાં તર્કશીલ અને ભણેલાગણેલા લોકો પણ ફસાઈ જાય છે. આ ભારતની લોકશાહીને ખતમ કરવાની ભાજપની એક ખતરનાક ચાલબાજી છે, કાવતરું છે એ સમજવાની જરૂર છે.
નેહરુ અને ઇન્દિરા પણ માણસ હતાં, કંઈ ભગવાન નહોતા. એમની હજારો ભૂલો થઈ જ હોય. તેઓ પણ રાજકીય માણસો હતાં. તેમને પણ પોતાને સત્તા જોઈતી હતી અને મળેલી સત્તા ટકાવવી હતી. પણ એ બેમાંથી કોઈએ પોતાને ભગવાન તરીકે ચીતરીને લોકોને છેતર્યા નહોતા. તેમણે એવું કહેલું કે તેઓ નોન-બાયોલોજીકલ છે?
આટલો તફાવત છે નેહરુ-ઇન્દિરા તથા નરેન્દ્ર મોદીમાં. અને જેને લોકશાહી એટલે શું એની ખબર હોય તેને માટે આ ફરક બહુ જ, અતિશય મોટો છે.
નાગરિકો માટે લોકશાહી મહત્ત્વની છે, કોંગ્રેસ અને ભાજપ કરતાં વધારે લોકશાહીનું મહત્ત્વ છે. એની આડે જે કોઈ આવે, લોકશાહી ઘસાય એવું જે કંઈ થાય, એની ટીકા કરવી એ નાગરિકોનો ધર્મ છે.
એટલે અત્યારે કેન્દ્રમાં સરકાર મોદીની અને ભાજપની છે. એ સરકાર કે સરકારી સંસ્થાઓ કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ લોકશાહીને ધક્કો પહોંચતું કંઈ પણ કરે તો તેની ટીકા કરવાના અધિકારનો ઉપયોગ નાગરિકોએ કરવો જોઈએ. મહાન સંસ્કૃતિ ધરાવતા આ દેશમાં તમારે શું જોઈએ છે, ધર્મોક્રસી જોઈએ છે કે ડેમોક્રસી? બુદ્ધિ હોય તો, સમજો જરા.
પ્રો. હેમંતકુમાર શાહ
તા.૧૨-૦૮-૨૦૨૫