ગાંધીનગરમાં સરકારી શાસનનું અંધેર: સેક્ટર ૨૦ની શાળાના બાળકો ઝાડ નીચે ભણવા મજબૂર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારી તંત્રની બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેક્ટર ૨૦ની સરકારી પ્રાથમિક શાળાના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ખુલ્લા આકાશ નીચે અને ઝાડ નીચે અભ્યાસ કરી રહ્યા છે. શાળાની ઇમારતને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભયજનક જાહેર કરવામાં આવી હોવા છતાં, વિદ્યાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.
આ કારણે બાળકોને ગરમીમાં બેસીને ભણવું પડે છે, અને ખુલ્લામાં બેસવાથી જીવજંતુઓના કરડવાનો ભય રહે છે. વાલીઓ પણ આ સ્થિતિથી ખૂબ અસંતુષ્ટ છે. તાજેતરમાં રાજસ્થાનમાં શાળાની છત પડવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ ગાંધીનગરમાં પણ આવી જ બેદરકારી જોવા મળી રહી છે.
વાલીઓ અને સ્થાનિક લોકોનું માનવું છે કે શાળાના સમગ્ર બિલ્ડિંગને ભયજનક જાહેર કરવા છતાં, કેટલાક ઓરડાઓ હજુ પણ સલામત છે. જો ઇજનેરો દ્વારા તેનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે, તો ભયજનક ભાગને સીલ કરીને બાકીના ઓરડાઓનો ઉપયોગ કરી શકાય છે. નવી શાળાનું નિર્માણ થઈ રહ્યું હોવાથી, વાલીઓની માંગ છે કે ત્યાં સુધી બાળકોને પડતી અગવડ દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત ઇમારતમાં છ મહિના પહેલાં જ દસ લાખ રૂપિયાના ખર્ચે ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી, જે એક તપાસનો વિષય બન્યો છે.