સિંધુ જળ સંધિને લઈ વારંવાર ધમકીઓ આપતું પાકિસ્તાન, પાછળ કોનું પીઠબળ
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. ભારતે આ હુમલાના જવાબમાં સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરી હતી. આ નિર્ણય બાદ પાકિસ્તાન પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તેમની નિરાશા હવે ખુલ્લી પડી રહી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પાણીના મુદ્દે ભારતને ખુલ્લી ધમકી આપી છે. ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, “અમે અમારા હકના પાણીનું એક પણ ટીપું ભારતને છીનવવા દઈશું નહીં. જો ભારત આવું કરવાનો પ્રયાસ કરશે, તો તેને સખત પરિણામ ભોગવવા પડશે.” આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને સેના પ્રમુખ પણ આ મુદ્દે નિવેદનો આપી ચૂક્યા છે.
પાકિસ્તાનની આ ચિંતાનું મુખ્ય કારણ ભારત દ્વારા ચિનાબ નદી પર શરૂ કરવામાં આવેલો નેશનલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના સિંધુ ગામ નજીક બનવાનો છે, અને તેના માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનને ભય છે કે ભારત આ પ્રોજેક્ટના બહાને તેમનું પાણી રોકી શકે છે. આ ડરને કારણે પાકિસ્તાને હવે પરમાણુ હુમલાની ધમકીઓ આપવાનું પણ શરૂ કરી દીધું છે.