આજથી બદલાયા આ ત્રણ મોટા નિયમો: બેન્કિંગ, હાઇવે અને ઇમિગ્રેશનને અસર
આજથી, એટલે કે 15 ઑગસ્ટ, 2025થી ભારતમાં અને વિદેશમાં કેટલાક મહત્ત્વના નિયમોમાં ફેરફાર લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર તમારા રોજિંદા જીવન પર પડી શકે છે. આ ફેરફારો બૅન્કિંગ, રોડ ટ્રાવેલ અને વિદેશમાં રહેતા ભારતીયો માટેના ઇમિગ્રેશન નિયમો સાથે જોડાયેલા છે.
SBIમાં IMPS ટ્રાન્ઝેક્શન ચાર્જ બદલાયા
સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) માટેના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કર્યા છે, જે આજથી લાગુ થઈ ગયા છે. હવે ₹25,000 સુધીના ઑનલાઇન IMPS ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં. જોકે, ₹25,000થી વધુ રકમના ટ્રાન્ઝેક્શન પર નવા ચાર્જ લાગુ થશે:
* ₹25,001થી ₹1 લાખ: ₹2 + GST
* ₹1 લાખથી ₹2 લાખ: ₹6 + GST
* ₹2 લાખથી ₹5 લાખ: ₹10 + GST
જોકે, કેટલાક ખાસ ખાતાઓ, જેમ કે સંરક્ષણ, પોલીસ અને રેલવેના સેલરી પૅકેજ એકાઉન્ટ્સ પર આ ચાર્જ માફ કરવામાં આવશે.
હાઇવે પર હવે મળશે વાર્ષિક ફાસ્ટેગ પાસ
હાઈવે પર ટોલની લાંબી લાઈનોથી છુટકારો અપાવવા માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) આજથી વાર્ષિક FASTag પાસ શરૂ કરી રહી છે. આ પાસ ખાનગી વાહનો જેમ કે કાર, જીપ અને વાન માટે ઉપલબ્ધ હશે. તેનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે.
યુએસમાં H-1B વિઝા ધારકોના બાળકો માટે નિયમો કડક
યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેતા H-1B વિઝા ધારકો માટે એક મહત્ત્વપૂર્ણ ફેરફાર લાગુ થઈ ગયો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા બાળકની ઉંમરની ગણતરી માટેના નિયમો બદલવામાં આવ્યા છે. આજથી, H-1B વિઝા ધારકોના બાળકો 21 વર્ષના થતાં જ ગ્રીન કાર્ડ મેળવવાનો તેમનો અધિકાર ગુમાવી શકે છે, ભલે તેમની પ્રક્રિયા ચાલુ હોય. આ ફેરફાર ખાસ કરીને ભારતીય પરિવારો માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે. આ ત્રણેય ફેરફારોની તમારા નાણાકીય વ્યવહારો, મુસાફરી અને વિદેશમાં રહેતા સંબંધીઓને સીધી અસર પડી શકે છે.