રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: પ્રાકૃતિક ખેતી એ ટકાઉ વિકાસ અને સ્વસ્થ જીવનનો માર્ગ
ગાંધીનગરમાં ‘પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેકનોલોજી’ વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ તે ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણ માટેનો એક નિશ્ચિત માર્ગ છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે હરિત ક્રાંતિએ દેશને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યો, પરંતુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, પાણી પ્રદૂષિત થયું છે અને લોકોના સ્વાસ્થ્ય પર જોખમ વધ્યું છે. આ સમસ્યાઓનો ઉકેલ પ્રાકૃતિક ખેતી અપનાવવામાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી એ ઓર્ગેનિક ખેતીથી અલગ છે અને તે સૂક્ષ્મજીવાણુઓની ખેતી પર આધારિત છે.
તેમણે વૈજ્ઞાનિક તથ્યો ટાંકીને સમજાવ્યું કે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ જમીનની ફળદ્રુપતા વધારવામાં અને પાકને રોગમુક્ત રાખવામાં અત્યંત અસરકારક છે. પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને બહુ-પાક પદ્ધતિ જેવી પાંચ પદ્ધતિઓ અપનાવીને રાસાયણિક ખેતી કરતાં પણ વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
આચાર્ય દેવવ્રતજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો ભારતના ખેડૂતો મોટા પાયે પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેમની આવકમાં વધારો થશે, ઉપજની ગુણવત્તા સુધરશે, પર્યાવરણનું રક્ષણ થશે, ભૂગર્ભજળનું સ્તર વધશે અને દેશને વિદેશી ખાતરો પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચાવી શકાશે. આ તાલીમ શિબિર કૃષિ ક્ષેત્રમાં એક નવી દિશા પ્રદાન કરશે અને ભારતને તેના ભવિષ્યની જરૂરિયાત મુજબ ટકાઉ વિકાસ તરફ દોરી જશે. આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો, કુલપતિઓ અને પ્રગતિશીલ ખેડૂતો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.