ગાંધીનગરધર્મ દર્શન

ગણેશ વિસર્જન: સુરક્ષા સર્વોપરી, ગાંધીનગર કલેક્ટરનો કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવા અનુરોધ

ગાંધીનગર: આગામી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ કે. દવેએ જાહેર જનતાને અપીલ કરી છે કે, જળાશયોમાં વિસર્જન કરવાને બદલે તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા કૃત્રિમ કુંડનો ઉપયોગ કરે.

ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી-તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. આ જળાશયોમાં ખોદકામને કારણે અજાણ્યા ખાડાઓ પડ્યા હોવાથી, લોકો માટે તે અત્યંત જોખમી બની શકે છે. ધાર્મિક વિધિ કે વિસર્જન દરમિયાન આવા ખાડાઓમાં પડવાથી જાનહાનિ થવાની શક્યતા વધી જાય છે. આ દુર્ઘટનાઓને ટાળવા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે, કૃત્રિમ કુંડની જગ્યાઓ દર્શાવતા બેનર અને પોસ્ટર જાહેર સ્થળોએ લગાવવામાં આવે.

કલેક્ટરશ્રીએ વ્યક્તિગત મૂર્તિ સ્થાપના કરનારા લોકોને પણ વિનંતી કરી છે કે તેઓ પોતાના ઘરે જ મૂર્તિનું વિસર્જન કરે. આ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેસ, સોશિયલ મીડિયા અને ગ્રામ્ય કક્ષાએ ઢોલ-દાંડી જેવા પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આયોજનના ભાગ રૂપે, વિસર્જનના સ્થળોએ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમો, તરવૈયાઓ અને પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટર શ્રી મેહુલ કે. દવેએ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “આપની એક લાપરવાહી ઉત્સવને ગંભીર દુર્ઘટનામાં બદલી શકે છે. ચાલો આપણે તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાને સહયોગ આપીએ અને સાથે મળીને સુરક્ષિત રીતે ઉત્સવનો આનંદ માણીએ.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *