ગાંધીનગર: વાવોલ-ઉવારસદ માર્ગ પર ગેરેજની દુકાનમાં 1.75 લાખની ચોરી
ગાંધીનગર: પાટનગર અને આસપાસના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ગાંધીનગર નજીક આવેલા વાવોલ-ઉવારસદ માર્ગ પર એક ગેરેજની દુકાનને નિશાન બનાવી તસ્કરો ₹1.75 લાખનો મુદ્દામાલ ચોરી ગયા છે. આ ઘટના બાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચોરોને પકડવા માટે તપાસ ચાલી રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના શેલામાં રહેતા વિશાલ અનિલકુમાર શાહ ઉવારસદમાં પેટ્રોલ પંપ સામે ગેરેજ ચલાવે છે. ગત 16 ઓગસ્ટની સાંજે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. રવિવારે રજા હોવાથી સોમવારે સવારે તેમના કારીગર ઝાકીરભાઈએ ફોન કરીને જણાવ્યું કે દુકાનના બંને શટરના તાળા તૂટેલા છે. વિશાલભાઈ તરત જ દુકાને પહોંચ્યા અને તપાસ કરતા જણાયું કે અલગ-અલગ પાર્ટ્સ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ₹1.75 લાખની ચોરી થઈ હતી.
આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ચોરીનો ગુનો નોંધીને ફરાર થયેલા તસ્કરોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીની ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગ કરી રહ્યા છે.