દિલ્હીની 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની તપાસ શરૂ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે. બુધવારે (20 ઓગસ્ટ) સવારે 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેલ મળતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાથી શાળા વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, સવારે 7:40 થી 7:42 વાગ્યાની વચ્ચે, નજફગઢ, માલવિયા નગર અને કરોલ બાગ સહિતના વિસ્તારોમાં આવેલી અનેક શાળાઓને આ ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. તાત્કાલિક શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, અને પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે સાયબર ફોરેન્સિક ટીમ ઈ-મેઇલના આઈપી એડ્રેસને ટ્રેસ કરીને મોકલનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના મહિનાઓમાં દિલ્હીમાં શાળાઓને ધમકીભર્યા ઈ-મેઇલ મળવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા મે અને જુલાઈ 2025માં પણ ડઝનબંધ શાળાઓને આવા જ ઈ-મેઇલ મળ્યા હતા, જે પાછળથી નકલી સાબિત થયા હતા. જોકે, પોલીસ આ વખતે પણ કોઈ જોખમ લેવા માંગતી નથી અને સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.