ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: દ્વારકામાં 10 ઇંચથી વધુ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમદાવાદ: રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 168 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરમાં શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કલ્યાણપુર ઉપરાંત, દ્વારકામાં 6.02 ઇંચ, પોરબંદરમાં 3.94 ઇંચ, જુનાગઢના માંગરોળમાં 3.74 ઇંચ, અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 3.35 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 41 તાલુકામાં 1 થી 10 ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે મગફળી સહિતના ચોમાસુ પાકો માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે.