આસામ જ નહીં પુરા દેશમાંથી ઘૂસણખોરોને કાઢી મુકાશે : અમિત શાહ
ગુવાહાટી :
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે જે પણ લોકો ગેરકાયદે આ દેશમાં રહી રહ્યા છે કે ઘુસણખોરી કરીને આવ્યા છે તેમને દેશમાંથી રવાના કરવામાં આવશે અને તેઓ જે દેશના નાગરિક હશે ત્યાં તેમને મોકલવામાં આવશે. સાથે અમિત શાહે એમ પણ કહ્યું છે કે આ માટે એક વિશેષ બિલ પણ લાવવામાં આવશે જેને નાગરિક સુધારા બિલ તરીકે ઓળખવામાં આવે છે.
અમિત શાહે સાથે એમ પણ કહ્યું છે કે માત્ર આસામ જ નહીં પુરા દેશમાંથી ગેરકાયદે રહેતા વિદેશીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એનઆરસીના વિવાદ વચ્ચે અમિત શાહ આસામની મુલાકાતે આવ્યા હતા. અહીંના ગુવાહાટીમાં તેમણે મુલાકાત લીધી હતી અને પક્ષના નેતાઓની સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જે દરમિયાન તેમણે આ નિવેદન કર્યું હતું.
અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે માત્ર આસામ જ નહીં પુરા ભારતમાંથી ઘૂસણખોરોને કે ગેરકાયદે રહેતા લોકોને કાઢી મુકવામાં આવશે અને કેન્દ્ર સરકાર એ દિશામાં કામ કરી રહી છે. સિટિઝન (સુધારા) બિલ આ વર્ષે લોકસભાના દ્વારા પસાર કરવામાં આવ્યું હતું જોકે તેને રાજ્યસભામાં પસાર નહોતુ કરી શક્યા. ઉત્તરપૂર્વી રાજ્યોમાં આ બિલનો વિરોધ થતા તેને પડતુ મુકવામાં આવ્યું હતું.