આતંકીઓ સામે કાર્યવાહીનું નાટક કરતુ પાક. ખુલ્લુ પડયું, ભારત પર હુમલા કરવા આતંકી મસૂદ અઝહરને છોડી મુક્યો
ઇસ્લામાબાદ :
પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. ઉરી, પુલવામા જેવા હુમલામાં જેનો હાથ છે તે મસૂદ અઝહર હાલ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને તેેને પકડીને જેલમાં નાખવાના અહેવાલો પાકિસ્તાને માત્ર વાહવાહી માટે જ ફેલાવ્યા હતા.
એવા રિપોર્ટ છે કે પાકિસ્તાને હાફિઝ સઇદને જેલમાં નહીં પણ પોતાની જ સુરક્ષામાં બધા જ પ્રકારની સુવિધા સાથે રાખ્યો છે. હાલ મસૂદ અઝહર પોતાના જ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર પર આરામથી રહી રહ્યો છે.
પુલવામામાં આતંકી હુમલો કરીને 40 જવાનોનો ભોગ લીધો હતો, આ હુમલામાં મસૂદ અઝહરનો જ હાથ હોવાના પુરાવા પણ સામે આવ્યા હતા. જેના આધારે બાદમાં સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યો હતો.
જે બાદ પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહર વિરૂદ્ધ કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો હતો, તેની ધરપકડ પણ કરી લીધી હોવાના જુઠાણા ફેલાવ્યા હતા. જોકે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે મસૂદ અઝહર પાક.ની કોઇ પણ જેલમાં નથી, તેનું છેલ્લુ લોકેશન બહાવલપુરમાં સામે આવ્યું હતું. બહાવલપુરમાં તે મરકઝ સુભાનલ્લાહમાં છે. આ જૈશ-એ-મોહમ્મદનું જ હેડક્વાર્ટર માનવામાં આવે છે.
થોડા દિવસ પહેલા જ એનએસએ અજિત દોભાલે કહ્યું હતું કે સરહદે પીઓકેમાં પાકિસ્તાનના 200થી વધુ આતંકીઓ સક્રીય છે અને તે ગમે ત્યારે કાશ્મીરમાં ઘુસણખોરી કરીને હુમલા કરવા માગે છે તેમજ હિંસા પણ ભડકાવવાના તેમના ઇરાદા છે.
આ સિૃથતિ વચ્ચે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે પાકિસ્તાન સરકાર જ આતંકીઓની મદદ લઇ રહી છે અને મસૂદ અઝહરને છોડી મુકીને એ પુરવાર પણ કરી દીધુ છે.
મસૂદને હાલ કાશ્મીરમાં ઘુસણખોરી સહીતની કામગીરી સોપવામા આવી હોવાના પણ અહેવાલો છે. આ આતંકીઓને માત્ર ઘુસણખોરી જ નહીં સરહદ પાર કરીને હિથયારો પહોંચાડવાની કામગીરી પણ પાકિસ્તાને અને આઇએસઆઇએ સોપી હોવાના અહેવાલો છે.
આ પહેલા હાફિઝ સઇદ વિરૂદ્ધ કાર્યવાહીનું પણ પાકિસ્તાન દ્વારા નાટક કરવામાં આવ્યું હતું. જોકે અગાઉ પણ આ જ પ્રકારના કાવતરા પાકિસ્તાન કરતુ આવ્યું છે, વિશ્વ સમક્ષ એવી છાપ ઉભી કરવાની કોશીશ કરે છે કે અમે આતંકીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છીએ જ્યારે વાસ્તવમા આતંકીઓ ખુલ્લેઆમ ફરતા હોય છે.