ટ્રમ્પની આર્થિક નીતિઓ પર કોર્ટનો પ્રહાર: મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કરાયા
ટ્રમ્પને મોટો ઝટકો: ટ્રમ્પનો આદેશ માનવાનો ઇનકાર
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા છે, જેનાથી અમેરિકન રાજકારણ અને અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, પ્રમુખ પાસે કટોકટીમાં સત્તાઓ હોય છે, પરંતુ તેમને ટેરિફ અથવા કર લાદવાનો અધિકાર નથી.
કોર્ટે આ ટેરિફને 14 ઓક્ટોબર સુધી યથાવત રાખવાની મંજૂરી આપી છે, જેથી ટ્રમ્પ વહીવટીતંત્ર આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકે. આ ચુકાદાને ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ માટે એક ગંભીર આંચકો માનવામાં આવી રહ્યો છે.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના આ આદેશને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તમામ ટેરિફ અમલમાં રહેશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, “બધા ટેરિફ હજુ પણ લાગુ છે. આજે એક અત્યંત પક્ષપાતી અપીલ કોર્ટે ખોટું કહ્યું કે આપણા ટેરિફ દૂર કરવા જોઈએ… જો આ ટેરિફ દૂર કરવામાં આવશે તો તે દેશ માટે એક મોટી આફત સાબિત થશે.” તેમણે કોર્ટના નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં જઈને રાષ્ટ્રના હિતમાં ટેરિફનો ઉપયોગ ચાલુ રાખવાની વાત કરી.