ગુજરાત

સુપ્રીમમાં હાઇકોર્ટ સામે આક્ષેપો કરવા બદલ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોર્ટરૂમમાં માફી માગી

અમદાવાદ :

રાજ્યના કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે હાઇકોર્ટમાં ભરી અદાલતમાં કોર્ટની માફી માગી હતી. તેમની જીતને પડકારતી પિટિશન અંગે હાઇકોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલમાં હાઇકોર્ટની કાર્યવાહી સામે સુપ્રીમ કાર્ટમાં અરજી કરી કરેલા આક્ષેપો કરવા બદલ તેમણે માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે જાહેરજીવનના વ્યક્તિ તરીકે મારી ફરજ અને ઈચ્છા છે કે ભરી અદાલતમાં માફી માગું.

અરજદાર અને કોંગ્રેસના પરાજીત ઉમેદવાર અશ્વિન રાઠોડના વકીલ તરફથી આજે જસ્ટિસ પરેશ ઉપાધ્યાય સમક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉલટતપાસ હાથ ધરવામાં આવી હતી. અશ્વિન રાઠોડના વકીલ તરફથી ચુડાસમાને પૂછવામાં આવ્યું હતું કે હાઇકોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ સામે તમે સુપ્રીમ કોર્ટમાં ત્રણ એસ.એલ.પી. કરી હતી. એ પિટિશનમાં લખવામાં આવેલા મુદ્દાઓથી તમે વાકેફ છો? જેના જવાબમાં ચુડાસમાએ કહ્યું હતું કે હા મેં એ પિટિશન વાંચી છે અને તે બદલ હું ભરી અદાલતમાં હાઇકોર્ટની માફી માગું છું.

આ ઉપરાંત મેં આ તમામ પિટિશન સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી હતી. મને થોડા સમય પછી જાણ થઇ કે એસ.એલ.પી.માં કેટલીક ભૂલો છે એટલે મેં મારા વકીલોને પિટિશન પરત ખેંચવાનું કહ્યું હતું. જો કે આ મુદ્દે અશ્વિન રાઠોડના વકીલે કહ્યું હતું કે તમારી પિટિશનની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે હું ત્યાં હતો. પિટિશન ગ્રાહ્ય રાખવાનું સુપ્રીમ કોર્ટનું વલણ નહોતું તેથી તમે પિટિશન પરત ખેંચી હતી.

ભૂપન્દ્રસિંહ ચુડાસમાને પૂછવામાં આવ્યું હતું કે ફેબુ્રઆરીમાં સુપ્રીમમાંથી અરજી પરત ખેંચાઈ હતી. તો પછી હવે માફી માંગવાનો વિચાર શા માટે આવ્યો? અને આજદિન સુધીની સુનાવણીમાં તમારા વકીલોએ શા માટે સુપ્રીમમાં કરેલી પિટિશન અંગે રંજ વ્યક્ત ન કર્યો? ચુડાસમાએ જવાબ આપ્યો હતો કે મારા વકીલની સલાહ તેમજ હું મારી ઇચ્છા અને ફરજના ભાગરૂપે માફી માગું છું. જાહેરજીવનના વ્યક્તિ તરીકે મારી ફરજ અને ઈચ્છા છે કે કાગળ પર નહીં પરંતુ જાહેરમાં માફી માગું.

અશ્વિન રાઠોડના વકીલે ચુડાસમાને પૂછયું હતું કે સુપ્રીમમાં અરજી કરવા બદલ રંજ વ્યકત કરવામાં આટલો સમય શા માટે લાગ્યો? ફેબુ્રઆરીમાં સુપ્રીમમાંથી અરજી પરત ખેંચાયા બાદ લોકસભા ચૂંટણી આવી રહી હતી. તેથી પક્ષના જવાબદાર સભ્ય તરીકે હું પ્રચારની કામગીરીમાં હતો. ત્યારબાદ વિધાનસભા સત્ર હતું અને પછી સ્વતંત્રતા દિનની ઉજવનીના કાર્યકમમાં વ્યસ્તતાના લીધે સાક્ષી તરીકે કઠેડામાં જુબાની આપવાની અરજી કરવામાં વિલંબ થયો છે.

ચુડાસમાને પૂછવામાં આવ્યું હતું કે અશ્વિન રાઠોડ સામે તમારી જીત ૩૨૭ મતની સરસાઈથી થઈ હતી. શું આ ખૂબ નાની સરસાઇની જીત કહી શકાય? જેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે ના એવું ન કહી શકાય. ભૂતકાળમાં ઘણાં કિસ્સાઓમાં વિધાનસભામાં એક મતથી અને લોકસભામાં સાત મતથી હાર-જીત થઈ છે.

ધોળકા બેઠકના ચૂંટણી અધિકારી ડેપ્યુટી કલેક્ટર ધવલ જાની અંગે તેમને પ્રશ્ન કરવમાં આવ્યો હતો કે ચૂંટણી સમયે તમે મહેસૂલ પ્રધાન હતા અને ધવલ જાની મહેસૂલ વિભાગના અધિકારી હતા. તેથી તેઓ તમારા પ્રભાવમાં હતા એવું કહી શકાય? જેના જવાબમાં ચુડાસમાએ કહ્યું હતું કે ધવલ જાનીને ચૂંટણી અધિકારીની જવાબદારી અપાઇ ત્યારે રાજ્યમાં આચારસંહિતા લાગુ થઇ હતી. તેથી હું તેમને કોઈ સૂચના આપી શકુ નહીં. આચારસંહિતા લાગુ થાય બાદ મહેસૂલ વિભાગના કર્મચારીઓ ચૂંટણી પંચને જવાબદાર હોય છે.

તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ધોળકા બેઠક પર પહેલાં ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિને ચૂંટણી અધિકારીની જવાબદારી અપાઇ હતી પરંતુ તમારી સૂચનાથી અને તમારી જીત નિશ્ચિત કરવા ધવલ જાનીને ચૂંટણી અધિકારીની જવાબદારી આપવામાં આવી હતી? જેના જવાબમાં ચુડાસમાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીની માર્ગદશકા છે કે જો કોઈ અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી ચાલી રહી હોય તો તેમને ચૂંટણી અંગેની જવાબદારી ન આપવી. ગૌરાંગ પ્રજાપતિ સામે ખાતાકીય કાર્યવાહી ચાલી રહી હોવાથી તેમના સમકક્ષ અધિકારી તરીકે ધવલ જાનીને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી આપવામાં આવી હતી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછવામાં આવ્યું હતું કે મતપેટીમાં ૧૨૦૦ જેટલાં મત આવ્યા

એ જીત ૩૨૭ મતની સરસાઈથી થઈ છે. ચૂંટણી પંચની માર્ગદશકા પ્રમાણે પોસ્ટલ બેલેટ(મતપેટી)થી મળેલા મતની સંખ્યા કરતા સરસાઈના મતની સંખ્યા ઓછી હોય તેવા કિસ્સામાં પોસ્ટલ બેલેટના મતની પુન:ગણતરી કરવાની હોય છે પરંતુ આ ચૂંટણીમાં પુન:મતગણતરી થઇ નહોતી. એ વિશે શું કહેશો? તેમણે જવાબ આપ્યો હતો કે મતગણતરી ચૂંટણી પંચની માર્ગદશકા પ્રમાણે જ થઇ છે, પરંતુ આ બાબત ચૂંટણી અધિકારીનું કાર્યક્ષેત્ર હોવાથી હું કોઇ ટિપ્પણી કરવા માગતો નથી.

ધવલ જાનીની ઉલટતાપસ અંગે તેમને પૂછવામાં આવ્યું હતું કે જાનીની ઉલટતપાસ અને પુરાવાઓ પર મુખ્ય ત્રણ બાબતો બહાર આવી છે કે ઇ.વી. એમ. અને મતપેટીના મતની ગણતરીના ક્રમમાં ગેરરીતિ હતી, મતપેટીના પરિણામોની મૌખિક જાહેરાતોમાં ગેરરીતિ હતી અને ધવલ જાનીએ કાઉન્ટીગ રૂમમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો. તેમણે જવાબ આપ્યો હતો કે મોબાઇલ ફોનનો ઉપયોગ એ ધવલ જાનીની અંગત બાબત છે તેથી હું કોઇ ટિપ્પણી કરી શકુ નહીં.

બાકીની બંને બાબત સાથે હું સહમત નથી. આ પ્રક્રિયાઓ નિયમ મુજબ જ થઇ છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે ધવલ જાની મતગણતરી સમયે તમને અથવા તમારા એજન્ટને ફોન કરી સતત જાણકારી આપતા હતા એ વાત સાચી છે? તેમણે જવાબ આપ્યો હતો કે આ વાત ખોટી છે. હું ઉમેદવારી ફોર્મ આપતા સમયે ધવલ જાનીને મળ્યો હતો. ત્યારબાદ ક્યારેય તેમને મળવાનું કે તેમની સાથે વાત થઇ નથી.

તેમને પૂછવામાં આવ્યું હતું કે જો મતપેટીના મત કોર્ટની કસ્ટડીમાં લઇ કોર્ટ સમક્ષ તેની પુન:ગણતરી કરવામાં આવે તો તમને કોઈ વાંધો છે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હા મને વાંધો છે. નિયમ મુજબ તમામ સંબધિત અધિકારીઓની હાજરીમાં જ મતગણતરી થઇ હતી. તેથી હવે મતગણતરીની કોઇ જરૂર જણાતી નથી.

આ ઉપરાંત અશ્વિન૧ રાઠોડે તે સમયે પુન:મતગણતરીની અરજી પણ આપી નહોતી.ચુડાસમાને પુછવામાં આવ્યું હતું કે મતગણતરીની પ્રક્રિયા અને મતપેટીના મત રદ કરવાની પ્રક્રિયામાં કોઇ ગેરરીતિ બહાર આવે તો તમારી ચૂંટણી રદ થવી જોઈએ? જેના જવાબમાં ચુડાસમાએ કહ્યું હતું કે હું એવું નથી માનતો. ચૂંટણી પંચની માર્ગદશકા પ્રમાણે જ તે મત રદ થયા હતા. કેસની વધુ સુનાવણી ૧૨મી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે. જેમાં કૉર્ટના ધ્યાને કોઇ બાબત આવશે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રશ્ન પૂછવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x