ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્કે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે આ અંગેની પુષ્ટિ કરી, અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટે પણ આ સમાચાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે. સ્ટાર્કે કહ્યું કે તેઓ હવે ODI અને ટેસ્ટ ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે, જેના કારણે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.
સ્ટાર્કે જણાવ્યું કે, તેમનું મુખ્ય લક્ષ્ય 2027ના ODI વર્લ્ડ કપમાં રમવાનું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમણે T20 ફોર્મેટ છોડવાનો નિર્ણય કર્યો છે જેથી તે લાંબા ફોર્મેટની ક્રિકેટ પર વધુ ધ્યાન આપી શકે. મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાની ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે અને તેમની નિવૃત્તિથી T20 ટીમમાં એક ખાલી જગ્યા ઊભી થશે. સ્ટાર્કના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ક્રિકેટરો માટે દરેક ફોર્મેટમાં રમવું હવે મુશ્કેલ બની રહ્યું છે, ખાસ કરીને ફાસ્ટ બોલરો માટે.