ગુજરાતમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ: હવામાન વિભાગની આગાહી બાદ સરકારી તંત્ર એલર્ટ
ગુજરાતમાં આગામી બે દિવસ, એટલે કે ૬ઠ્ઠી અને ૭મી સપ્ટેમ્બર દરમિયાન, ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જેવા જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જ્યારે અન્ય વિસ્તારોમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યસચિવ પંકજ જોષીના અધ્યક્ષપદે સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યસચિવએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબંધિત જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા અને તમામ જરૂરી આગોતરી તૈયારીઓ કરવા સૂચન આપ્યું હતું. રાજ્યના ડેમોના જળસ્તર અને પાણીની આવકની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે રાજ્યના વિવિધ સ્થળોએ ૧૨ NDRF અને ૨૦ SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.
આગાહીને ધ્યાનમાં રાખીને, શનિવારે યોજાનાર ગણેશ વિસર્જન અને રવિવારે યોજાનાર GPSCની પરીક્ષા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. ગણેશ વિસર્જનના સ્થળોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવા અને પરીક્ષા કેન્દ્રો પર પણ પૂરતી તકેદારી રાખવા માટે કલેક્ટરોને સૂચન આપવામાં આવ્યું છે.