ગુજરાત સરકારી નોકરીમાં ST/SC ઉમેદવારોને રાહત મળવાની શક્યતા
ભારતીય જનતા પાર્ટીના સાંસદ જશુભાઈ રાઠવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને સરકારી વર્ગ-૩ની ભરતીમાં ST અને SC કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ (ક્વોલિફાઈંગ માર્કસ) ઘટાડવાની માંગ કરી છે. તેમણે હાલના ૪૦% ગુણને ઘટાડીને ૩૦% કરવા માટે રજૂઆત કરી છે, જેથી આ કેટેગરીના વધુ ઉમેદવારોને તક મળી શકે.
સાંસદ જશુભાઈએ ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૩૫ની જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનું ભરતી બોર્ડ SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) જેવી મહત્વની પરીક્ષાઓમાં જનરલ કેટેગરી માટે લાયકાત ગુણ ૩૦% રાખે છે, જ્યારે EWS અને OBC માટે આ ગુણ ૨૫% છે.
આ જ તર્જ પર, તેમણે ગુજરાત સરકારને પોલીસ કોન્સ્ટેબલ, CCE, રેવન્યુ તલાટી અને વર્ગ-૩ની અન્ય તમામ ભરતીઓમાં ST અને SC ઉમેદવારોને ૧૦%ની છૂટછાટ આપીને લાયકાત ધોરણ ઘટાડવા માટે ભલામણ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં આવશે, તો રાજ્યના હજારો ઉમેદવારોને તેનો લાભ મળી શકે છે.