ગાંધીનગરમાં તસ્કરો બેફામ: પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોના તાળાં તૂટ્યા
ગાંધીનગર શહેરની આસપાસના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં, પેથાપુરમાં એક જ રાત્રિમાં તસ્કરોએ બે દુકાનોને નિશાન બનાવી હતી અને તેમાંથી કુલ ૩૮,૦૦૦ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાને એક મહિનાથી વધુ સમય થયા બાદ દુકાન માલિકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
પેથાપુર ગામમાં શ્લોક પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં આવેલી અમરભાઈ ધોબીની લોન્ડ્રીની દુકાન અને તેની બાજુમાં આવેલા અજયકુમાર દરજીના મેડિકલ સ્ટોરના તાળાં તૂટ્યા હોવાનું સામે આવ્યું છે. અમરભાઈની દુકાનમાંથી ૨૮,૦૦૦ રૂપિયા રોકડા ચોરાયા હતા, જ્યારે મેડિકલ સ્ટોરમાંથી પણ ૧૦,૦૦૦ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી.
આ ચોરી ૫ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે થઈ હતી, પરંતુ ફરિયાદ હવે નોંધાઈ છે. ગાંધીનગરના પાટનગર વિસ્તારમાં ચોરીના બનાવો વધતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.