ધરોઈ ડેમમાંથી ૪૭,૮૩૮ ક્યુસેક પાણી છોડાશે: ગાંધીનગર-માણસાના નદી કિનારાના ગામો એલર્ટ પર
ગુજરાતમાં આગામી ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી ૪૭,૮૩૮ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. જેના પરિણામે, ગાંધીનગર જિલ્લાના માણસા અને ગાંધીનગર તાલુકાના સાબરમતી નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવેએ આ વિસ્તારોના સ્થાનિકોને જાહેર ચેતવણી આપવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ સ્તરે પણ પૂરતી તૈયારીઓ રાખવામાં આવી છે. તમામ તલાટી કમ મંત્રીઓને પોતાના ગામમાં જ હાજર રહેવા અને વરસાદની સ્થિતિ વિશે ગ્રામજનોને અને તંત્રને સતત માહિતી આપતા રહેવા સૂચના આપવામાં આવી છે. આ પગલાંનો હેતુ કોઈ પણ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક પગલાં ભરીને મોટી નુકસાની અટકાવવાનો છે.